કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટ્‌સ અનુસાર ખાલિસ્તાની સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરન્ટો અને વાનકુવરમાં થઈ રહ્યા છે, જેના કારણે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે. ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરવામાં આવ્યા છે અને પોલીસ અને ફેડરલ પોલીસ સ્થળ પર તૈનાત છે.

કેનેડિયન મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી. ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે તાજેતરમાં જ ખાલિસ્તાન સમર્થક નિજ્જરની કેટલાક લોકોએ હત્યા કરી હતી. જે અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે આ હત્યા પાછળ ભારતનો હાથ છે. ટ્રૂડોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે આક્ષેપો કરી રહ્યા છીએ કે ૧૮ જૂને હરીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે. આ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રીએ ભારતીય ગુપ્તચર ચીફ પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. કેનેડાના આ નિવેદન બાદ ભારતે કહ્યું કે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો વાહિયાત છે. કલાકો પછી ભારતે કેનેડિયન રાજદ્વારી ઓલિવર સિલ્વેસ્ટરને હાંકી કાઢ્યા અને નવા વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી જસ્ટિને પોતાનું નિવેદન પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે તેની પાસે ભારતીય એજન્ટોને હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જાેડતી નક્કર માહિતી છે. ૪૫ વર્ષીય નિજ્જર કેનેડાનો નાગરિક હતો. જાેકે, ભારત સરકાર કહેતી રહી છે કે જાે તેમની પાસે પુરાવા હોય તો તેઓ રજૂ કરે. હાલમાં બંને દેશો વચ્ચે તણાવ છે અને નવા વિઝા આપવામાં આવી રહ્યા નથી.

Share.

Leave A Reply

Exit mobile version