ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ હવે એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેનો અંત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તો પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ જ ભૂસી નાખવાના સોગંદ લઈ લીધા છે ત્યાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં નિરંતર હુમલા કરવામાં આવી રહ્યા છે.

હમાસનો ઈઝરાયલ પર હુમલો ભારે પડી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી બોમ્બમારા વચ્ચે અત્યાર સુધી ત્યાંથી ૪ લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં ૪૨૩૦૦૦ થી વધુ લોકો હવે પોતાના ઘર છોડવા મજબૂર છે કેમ કે પેલેસ્ટાઈનમાં ઈઝરાયલબ બેફામ બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝામાં વિસ્થાપિતોની સંખ્યા ૮૪,૪૪૪ જેટલી વધી જતાં હવે ૪૨૩,૩૭૮ પર પહોંચી ગઈ છે.

જ્યારે હ્યુમન રાઈટ્‌સ વોચે ઈઝરાયલ સામે ગાઝા અને લેબેનોનમાં તેના સૈન્ય અભિયાન દરમિયાન સફેદ ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગથી નાગરિકોને ગંભીર અને લાંબા ગાળાની ઈજાઓ પહોંચવાનો ખતરો વધી ગયો છે. જાેકે ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં આવા કેમિકેલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવાના અહેવાલો નકારી કાઢ્યા છે.
જાેકે હ્યુમન રાઇટ્‌સ વોચે કહ્યું કે તેણે ૧૦ ઓક્ટોબરે લેબેનોન અને ૧૧ ઓક્ટોબરે ગાઝામાં લેવાયેલા વીડિયોને વેરિફાઈ કર્યા છે જેમાં ગાઝા સિટી પોર્ટ અને ઈઝરાયલ-લેબેનોનની સરહદ સાથે બે ગ્રામીણ સ્થળોએ તોપખાનાથી ઝિંકાયેલા સફેદ ફોસ્ફરસના અનેક હવાઈ વિસ્ફોટ દેખાયા હતા.

સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કાયદાકીય રીતે યુદ્ધના મેદાનોમાં સ્મોક સ્ક્રિન બનાવવા, રોશની પેદા કરવા, લક્ષ્યોને ટારગેટ કરવા કે બંકરો અને ઈમારતોને સળગાવવા માટે કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સંમેલન હેઠળ સફેદ ફોસ્ફરસને રાસાયણિક હથિયાર તરીકે પ્રતિબંધિત નથી કરાયો પણ તે ગંભીર બળતરાં પેદા કરી શકે છે. તેને એક આગ લગાવવાના હથિયાર તરીકે મનાય છે.

Share.

Leave A Reply

Exit mobile version