ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્‌ છે. એવામાં યુએનનો આ મામલે રીપોર્ટ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, ઈઝરાયેલની સેનાએ ૧૧ લાખ લોકોને ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલને પોતાનો આદેશ પાછો ખેંચવા કહ્યું છે.

હ્યુમન રાઈટ્‌સની બાબતોના સંકલન માટે યુએન દ્વારા ઇમરજન્સી અપીલ જારી કરવામાં આવી છે. યુએન દ્વારા પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે દુનિયાભરના દેશો પાસેથી ૨૪૦૦ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ પૈસાનો ઉપયોગ ૧૨ લાખ લોકોની મદદ માટે કરવામાં આવશે.

ગાઝા પટ્ટી સાથેની દક્ષિણી સરહદ પર ઈઝરાયેલે ત્રણ લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સૈનિકોની તૈનાતી પછી ઈઝરાયેલ શું કરવા જઈ રહ્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગાઝા પર કરાયેલા હવાઈ હુમલાએ અહીં માનવીય દુર્ઘટના સર્જી છે. ગાઝામાં લોકોને ભૂખમરાનું જાેખમ છે. હોસ્પિટલોની હાલત કફોડી બની રહી છે. ગાઝામાં હવાઈ હુમલાને કારણે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે. જ્યારે હ્યુમન રાઈટ્‌સ વોચે ઈઝરાયલ સામે ગાઝા અને લેબેનોનમાં તેના સૈન્ય અભિયાન દરમિયાન સફેદ ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગથી નાગરિકોને ગંભીર અને લાંબા ગાળાની ઈજાઓ પહોંચવાનો ખતરો વધી ગયો છે. જાેકે ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં આવા કેમિકેલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવાના અહેવાલો નકારી કાઢ્યા છે.

Share.

Leave A Reply

Exit mobile version